જો સમય હોય તો આખો લેખ વાચજો....


ગામ લીંબલીમાં એક સગરામ કરીને ભક્ત હતા.તેને એમ જે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા ને મને એમનું ઓળખાણ થયું પણ મારી જાતિ નીચી-વાઘરીની તે મારે ઘેર કેમ આવીને જમે?પણ તેને જમાડવાની ભાવના અંતરમાં ઘણીજ હતી.એક વખત મહારાજ ગધપુરથી વરતાલ આવતાં રસ્તામાં લીંબલી ગામના ચરામાં આવ્યા એ દિવસ હતો છતાં કહે કે અહીં મુકામ કરો.સંતો-હરિભક્તો કહે કે હજી દિવસ તો આથમ્યો નથી ને બે ચાર ગાઉ આગળ જવાશે.પણ મહારાજની આજ્ઞા થઈ એટલે મુકામ કર્યો.સાંજે સંધ્યા આરતી થઈ.કથા કીર્તન આદિ સમાપ્ત કરી સંત-હરિજન-પાર્ષદો વિગેરે પોઢી ગયા.રાત્રે જ્યાં બાર વાગ્યાનો સમય થયો કે મહારાજે તેમના અંગરક્ષક અઢાર જેટલા પાર્ષદોને ઊંઘ પ્રેરી.પછી પોતે રજાઈ ઓઢીને એકલા ચાલી નીકળ્યા તે સગરામ વાઘરીના કૂબામાં(ઝૂંપડામાં)પહોંચ્યા અને ઝાંપલી ઉઘાડવા ખખડાવી.

                  તે સમયે સગરામ અને તેમનાં પત્ની વાતો કરતાં હતાં જે આપણો અવતાર વાઘરીમાં થયો ને ભગવાન પ્રગટ થયા.આપણે જમાડવાની ખૂબ ભાવના છે પણ હવે શું થાય?તેવામાં મહારાજે ઝાંપો ખખડાવ્યો તો કહે અત્યારે કોણ છે? મહારાજ કહે તમે જેને સંભારો છો તે છું.આવીને જુએ તો મહરાજનાં દર્શન થયાં. બન્ને અતિશય રાજી થયાં. ખાટલામાં ફાટેલી ગોદડી હતી તે ઉપર ધોયેલી ધોતી પાથરીને તે ઉપર મહારાજને બેસાડ્યા.અતિ આનંદથી બન્ને જણ કાંઈ બોલી શકતાં નહોતાં. પછી મહારાજ કહે મને ભૂખ લાગી છે.દૂધનો રોટલો કે ભાખરી હોય તો આપો.પરંતુ સગરામભાઈની અસાધારણ ગરીબ અવસ્થા તે છાસ સિવાય બીજું કાંઈ ઘરમાં નહિ અને તે આપતાં ખૂબ સંકોચાય.પણ મહારાજ કહે જે હોય તે લાવો.ઘરમાં વાસણ મળે નહીં.તેથી એક નવા માટીના વાસણમાં છાસ કાઢીને મહારાજને આપી.મહારાજ છાસ જમે અને બન્ને જણ આનંદથી દર્શન કરે.પછી મહારાજે થોડીક છાસ બાકી રાખી બન્નેને પોતાની પ્રસાદીની છાસ આપી.જે પ્રસાદી લક્ષ્મીજીને પણ દુર્લભ છે.બન્નેના મનોરથ પોતે પૂર્ણ કર્યા.આખી રાત ખૂબ વાતો કરી બન્નેને રાજી કર્યા.સવારે વહેલા ઉઠીને નીકળ્યા તે પોતાની રજાઈ ત્યાં મૂકી તેની ફાટેલી ગોદડી લઈને ચાલી નીકળ્યા. મહારાજને પોતાના તંબુમાં જતાં સ.ગુ.બ્રહ્માનંદ સ્વામી જોઈ ગયા ને કીર્તન કર્યું જે-

         કયાં રમી આવ્યા રાતલડી,મહારાજ કહો એક વાતલડી,

         રજાઈ મૂકી ક્યાંથી લાવ્યા આ કંથા ગોદડલી.

    આમ ગાઈને ભગવાનને રાજી કર્યા.ભગવાન પોતે ભક્તના મનોરથ પુરા કરવા ગમે તેવી લીલા કરે તે ગણ કરવા યોગ્ય છે.આવી માનુષી લીલાનું અંતરના ઉમળકાથી ગણ કરવું તેને દિવ્ય ભાવ કહેવામાં આવે છે.માટે ભગવાનની માનુષી લીલાનાં દિવ્ય ભાવ રાખી તેનું ગણ કરી આનંદ લેવો...

          ......જય શ્રી સ્વામિનારાયણ.....

Comments