આજે સાંજે સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા હતા એ દરમ્યાન....

આજે સાંજે સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા હતા એ દરમ્યાન કેટલાક સંતોની પ્રવૃત્તિઓનો પરિચય આપવાની શરૂઆત કરતાં અક્ષરચરણસ્વામીએ કહ્યું કે 'આને તો આપ ઓળખો છો.'



'ના. હું કંઈ ઓળખતો નથી.' સ્વામીશ્રીએ ઠાવકાઈથી કહ્યું.

આ સાંભળી એ સંતે કહ્યું, 'આપ ન ઓળખતા હો તો કલ્યાણકઈરીતે થશે ?'

'તો તો એમાંય ગરબડ થશે!' સ્મિત સાથે સ્વામીશ્રીએ ધાર્યા બહારનો ઉત્તર આપ્યો. સૌ હસી પડ્યા.

પછી સ્વામીશ્રી કહેવા લાગ્યાઃ 'આપણે તો રામચંદ્ર કાકાને ઓળખીએ, એમના ભાઈ ભાઈલાલને ઓળખીએ, ભાઈલાલના દીકરા કનૈયાલાલને પણ ઓળખીએ. એ કનૈયાલાલ એટલે કનુ. એનો દીકરો ભાસ્કર એને ઓળખીએ. અને એનો તું...'

ચાર ચાર પેઢીઓની આરીતે સ્મૃતિ કરતા સ્વામીશ્રીએ આખો વંશવેલો કહી બતાવ્યો, ત્યારે સૌ દંગ રહી ગયા.

એ સંત વિદ્યાર્થી તરીકે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મનમાં એવી ઇચ્છા હતી કે અમેરિકાનો પ્રેસિડન્ટ હું પણ થઈ શકું. આ સંદર્ભમાં સ્વામીશ્રી કહે, 'અહીં આવ્યા એટલે પ્રેસિડન્ટ થઈ ગયા.'

'કઈ રીતે ?'

'શ્રીજીમહારાજને સંભારે, એનો આશરો કરે એટલે એના જેવું એક પણ નહીં. ભગવાન ને સંત મળ્યા પછી શું બાકી રહ્યું? સાધુ જેવી કોઈ પદવી નથી!'

Comments